Dhumketu
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫): નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાયા. એમની નવલિકાઓમાં સામાન્ય, દીન દરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ક્રાંતિકારક હતો. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે તો વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓ સંગ્રહસ્થ છે.