Endhani
Endhani by Varsha Adalja | Short Stories book by Varsha Adalja. એંધાણી - લેખક : વર્ષા અડલજા “આ શું છે જાણે છે રૂપા? આ ઈશ્વરની લીલા છે. આ અઢળક સૌંદર્ય, લીલાંછમ વૃક્ષો, નદી, પર્વતો, ચંદ્ર, તારા, સૂરજનો ગોળો અને એ સાથે જ પૃથ્વી પર આ વેદના, દુઃખ, ગરીબી, રોગ, ભૂખમરો – આ બધું જ ઈશ્વરનું સર્જન છે અને એનું દરેક સર્જન હેતુપૂર્ણ છે.” “પણ શા માટે દીદી? શા માટે આ વેદના, એકલતા, પીડા, દર્દો? શા માટે ઈશ્વરનો આ શાપ?” રૂપા આક્રંદ કરી ઊઠી. “આ બધી હરિ હોવાની એંધાણી છે, રૂપા. આ દુઃખ દર્દ અને વલોવી નાખતી વેદના જોઈને તો લોકનો આતમરામ જાગે છે. માનવતા સળવળી ઊઠે છે અને પડી ગયેલાંને ટેકો આપવા એ આગળ આવે છે. જન્મજન્માંતર ચાલે એવો આ યજ્ઞ છે. પ્રજાની માનવતા જાગ્રત રહે, ચૈતન્ય ધબકતું રહે એ માટે આ દુઃખ-દર્દોનું નિર્માણ. જેને ભાગે આ દુઃખો આવ્યાં છે એ આ પવિત્ર યજ્ઞમાં હોમાયેલાં ઈંધણ છે. ઈશ્વરે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે થોડાં લોકોની આહુતિ આપી છે, રૂપા. એટલે જ એ લોકોને વધુ પ્યાર, વધુ મમતા આપણે આપવી જોઈએ.” રૂપા અવાક બની દીદીને તાકી રહી હતી. હવે વાદળાં ખૂબ દૂર ચાલી ગયાં હતાં અને ચંદ્રના પ્રકાશમાં વરસાદનાં ટીપાં ચમકતાં હતાં. બંને હાથ પકડી ઘેરું સાન્નિધ્ય અનુભવતાં ઊભાં હતાં. દીદીએ મૃદુ સ્વરે કહ્યું : “તું જાણે છે રૂપા! આ પૃથ્વી પરનો એક એક વેદનાગ્રસ્ત માનવી હરિની આપેલી એંધાણી છે.” |