Jyotindra Dave
જ્યોતીન્દ્ર હરિશંકર દવે (૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦): હાસ્ય નિબંધકાર. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.તેઓ ગુજરાતી હાસ્યસાહિત્યના મૂર્ધન્ય સર્જક છે. સાહિત્ય, કેળવણી, સામાજિક રાજકીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈપણ બાબત લેખકના હાસ્યનું લક્ષ્ય બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ ને બહુશ્રુતતાને કારણે એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકારે હાસ્ય નિષ્પન્ન કરે છે.