K M Munshi
કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.