Labhshankar Thakar
લાભશંકર જાદવજી ઠાકર (૧૪-૧-૧૯૩૫): કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પાટડી. જન્મ સેડલામાં. ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૫૭માં બી.એ., ૧૯૫૯માં એમ.એ., ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સનો ડિપ્લોમા. સાતેક વર્ષ અમદાવાદની કોલેજોમાં અધ્યાપક અને હવે પોતાના ક્લિનિકમાં આયુર્વેદીય ચિકિત્સક. ‘આકંઠ સાબરમતી’ નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ. ‘કૃતિ’, ઉન્મૂલન’ જેવાં સામયિકોનું પ્રકાશન. ૧૯૬૨નો કુમારચન્દ્રક. નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચન્દ્રક, જે પરત કરેલો તે પછીથી ૧૯૯૪માં સ્વીકાર્યો. ૨૦૦૨નો સાહિત્યગૌરવ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મળ્યો. લાભશંકર ઠાકર આધુનિક સર્જક છે. લાભશંકર ઠાકરની કવિતા આરંભમાં પરંપરાનું અનુસંધાન જાળવે છે પણ તેમની ‘તડકો’ રચનાથી ભાષા સંદર્ભે એક નવપ્રસ્થાન થાય છે. શબ્દની અનર્થકતા, અસ્તિત્વની વ્યથા અને વીરતિની અભિવ્યક્તિ અનેક કાવ્યોમાં તેઓ વિડમ્બનાના સ્તરે કરે છે. તેમણે ‘એબ્સર્ડ’ શૈલીના એકાંકી – નાટકો રચ્યા છે તેમાં ભાષાનો શબ્દ અપૂરતો લાગતા આંગિક અભિનય અને અન્ય અવાજોની મદદથી નાટ્ય અર્થે ઉપસાવવાનો પ્રયત્ન ગુજરાતી નાટકના વિકાસમાં મહત્ત્વનું સ્થિત્યંતર છે. નિર્ભ્રાન્ત થયેલા મનુષ્યની વાત કહેતી તેમની નવલકથા ‘કોણ’ અને તેનો ઉત્તરાર્ધ તેમ જ રસળતી કલમે લખાયેલા સંવેદનકેન્દ્રી કે વિચારલક્ષી નિબંધોમાં ગદ્યની તાજપ ધ્યાન ખેંચે છે.