Makarand Dave
મકરન્દ વજેશંકર દવે (૧૩-૧૧-૧૯૨૨): કવિ, ચરિત્રકાર, નિબંધકાર, નવલકથાકાર. જન્મ ગોંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટસ કૉલેજમાં દાખલ થયા પછી ‘૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, જેવાં સામયિકો તથા વર્તમાનપત્ર ‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારો, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ અનેમેઘાણીનો પ્રભાવ તેમની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહીને ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ મેળવવા મથે છે. આ ઉપરાંત નવલકથા, ચિંતનાત્મક લેખોના સંગ્રહો પણ મળે છે.