Sir Arthur Conan Doyle
List of books written by Sir Arthur Conan Doyle in Gujarati.
લેખક પરિચય:
બેસ્ટ-સેલર લેખકોમાંથી પણ સર આર્થર કોનન ડોયલ જેવા લેખક બનવાનું સદભાગ્ય કેટલાને સાંપડ્યું હશે એ મહત્ત્વનો પ્રશ્ન છે.
આર્થર કોનન ડોયલની લેખિનીમાંથી લગભગ દોઢ સદી પૂર્વે એક પાત્રનો જન્મ થયો. શેરલોક હોમ્સ એનું નામ. એક અનોખો જાસૂસ. અનોખા અપરાધનું અનોખી કાર્યશૈલીથી રહસ્ય શોધી કાઢનાર જાસૂસ.
અનોખી શૈલીમાં એનાં કારનામાં વાચકોનાં મન-મસ્તિષ્કમાં એવાં તો છવાઈ ગયાં કે લેખકની કલમ પણ વાચકોની ગુલામ બની ગઈ. લેખકને પોતાના પાત્રને બહેલાવવાની અનેરી મઝા આવે છે. આર્થર કોનન ડોયલ પણ પોતાની કલમમાંથી જન્મેલા આ પાત્રને લડાવવા ઇચ્છતા હતા, બહેલાવવા ઇચ્છતા હતા, પણ શેરલોક હોમ્સની લોકપ્રિયતા એવી તો શિખરે ચડી કે લેખકની આઝાદી છીનવાઈ ગઈ. લેખક માટે એક અનોખું બંધન સર્જાયું કે શેરલોક હોમ્સના પ્રત્યેક કારનામાને કઈ રીતે લડાવવાં કે વિકસાવવાં એ વાચકો નક્કી કરવા લાગ્યા.
તર્કશક્તિની સાથે અનોખી નિરીક્ષણશક્તિનો પણ વિશ્વસાહિત્યનું આ અમરપાત્ર પરિચય કરાવે છે. એક જાસૂસકથાની-જાસૂસની વાતને સહેજ કોરાણે મૂકીએ તો પ્રત્યેક મનુષ્ય માટે જીવનના સર્વાંગી વિકાસમાં, સર્વાંગી સફળતામાં તર્કશક્તિ અને નિરીક્ષણશક્તિ કેટલી આવશ્યક છે એ સમજવા આર્થર કોનન ડોયલનું આ પાત્ર અત્યંત ઉપયોગી બની રહે છે.
એક જાસૂસ તરીકેનાં શેરલોક હોમ્સનાં કારનામાં એક શબ્દસાહિત્ય તરીકે અવશ્ય વાચનીય છે. પ્રત્યેક કેસમાં હોમ્સનું ચિંતન, નિરીક્ષણ, સામાન્ય સંજોગોમાં તદ્દન સાચા લાગતા પુરાવાને ખોટા પાડે છે. એની પાછળ લપાયેલી હોમ્સની અને એ રીતે લેખકની તર્કશક્તિની તાકાત કેળવવાનું આજની જીવનશૈલીમાં માત્ર પોલીસ માટે જ નહીં, પ્રત્યેક કૉમન મૅન માટે કેટલું અનિવાર્ય આવશ્યક બની રહેલું છે એ સમજવાની જરૃરછે.
સ્કોટલૅન્ડ યાર્ડના ડિટેક્ટિવોને પ્રત્યેક ઘટનાપ્રવાહમાં શેરલોક હોમ્સ પાછા પાડી દે છે. એ ભલે એક સાહિત્યસર્જકની સમર્થ લેખિનીનો પ્રતાપ હોય, છતાં આજના સ્પર્ધાત્મક, વ્યૂહાત્મક, નેગેટિવ માહોલમાં તર્કશક્તિ અને વિચારશક્તિની અદ્ભુત અનુભૂતિનો સ્પર્શ આપે છે અને એની અચૂક અનિવાર્યતાથી જ્ઞાત કરાવે છે.