ઓશોએ તેમના જીવન દરમ્યાન અનેક વિષયો પર હજારો પ્રવચનો આપેલા છે. ધર્મથી લઈ વિજ્ઞાન સુધી અનેક વિષયોને ભારતના જ નહિ પણ સમગ્ર વિશ્વના પ્રમુખ ધર્મો, સંતો અને ધાર્મિક ગ્રંથો પર તેમણે અધિકારપૂર્વક પ્રવચનો આપ્યા છે. માત્ર ધર્મ સુધી સીમિત ન રહેતાં તેમણે મનુષ્યને સ્પર્શતી દરેક સમસ્યાઓ જેવી કે સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક, આંતર સંબંધો વગેરે પર ઊંડાણથી પ્રકાશ પાડ્યો છે, માર્ગ બતાવ્યો છે.
તેમના પ્રવચનો અતિ ગંભીર ગણાતા વિષયોને સ્પર્શતા હોવા છતાં સરળ, સહજ, દૃષ્ટાંતો અને રમૂજોથી ભરપૂર છે. તેમની બોધકથાઓ સરળ અને સચોટ છે. સીધી હૈયાસોંસરવી ઉતરી જાય તેવી !
અહીં તેમના અનેક પ્રવચનો દરમ્યાન અપાયેલા બોધ આપતા દૃષ્ટાંતોનો નાનો સંગ્રહ કરવાનો પ્રયત્ન છે. નાના બાળકો, યુવાનો અને વૃદ્ધ બધાને ગમે તેવી રસપ્રચૂર, જ્ઞાનવર્ધક બોધ કથાઓ આપના જીવનને પણ થોડો બોધ પહોંચાડે, આનંદથી- સમજથી ભરી દે તેવી છે.