Kehavat Mala by Jamshedji Nasarvanji Pitit ૧૯૦૩માં પ્રગટ થયેલું પુસ્તક કહેવત-માળા તેનાં વ્યાપ , વિસ્તાર પરિશ્રમ અને અભ્યાસને કારણે આ પ્રકારનાં આજ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં જુદી ભાત પડે તેવું છે. લગભગ સાડા બારસો પાનાના બે ભાગમાં બાર હજાર જેટલી કહેવતો કક્કાવારી પ્રમાણો ગોઠવી છે. પણ આ પુસ્તકમાં માત્ર ગુજરાતી કહેવતો જ નથી. આપણી ભાષાની કહેવતોને મળતી આવે તેવી કહેવતો સંસ્કૃત, હિન્દી, મરાઠી, કાશ્મીરી, તમિળ, તેલુગુ,જેવી આપના દેશની ભાષાઓમાંથી તથા અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, સ્પેનિશ, પોર્તુગીઝ, ડચ, ડેનિશ, લેટિન, ફારસી, વગેરે વિદેશની ભાષાઓમાંથી વીણી વીણીને મૂકી છે. જુદી જુદી ભાષાઓની કહેવતોનો આટલો મોટો સંગ્રહ ગુજરાતીમાં તો બીજો કોઈ નથી. આ પુસ્તકનાં સાડા બારસો પાનાં એટલે કહેવતોનો અમૂલ્ય ખજાનો. આ ખજાનો એકઠો કરેલો જમશેદજી નસરવાનજી પતીતે. ૧૮૫૬ના જાન્યુઆરી ની ૨૪મી તારીખે મુંબઈમાં એમનો જન્મ. ગર્ભશ્રીમંત પારસી માતાપિતાના એકમાત્ર પુત્ર. શિક્ષણ મેટ્રિક સુધીનું. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ જમ્શેદજીને કહેવતો એકઠી કરવાનો શોખ લાગેલો. દસ હજાર જેટલી કહેવતો એકઠી કરી. કક્કાવારી પ્રમાણે ગોઠવી. "વિદ્યામિત્ર" નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ કરાવી. પણ "ફ" અક્ષર સુધીની કહેવતો છપાઈ ત્યાં તો માત્ર ૩૨વર્ષની વચે અણધારી રીતે જમશેદજીનું અવસાન થયું, ૧૮૮૮ન માર્ચની ૧૯મીએ. જમ્શેદજીના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ જમશેદજીના સંગ્રહમાં સુધારો, વધારો, ઉમેરો કરી ૧૯૦૩માં બે ભાગમાં કહેવત-માળા પુસ્તક પ્રગટ કર્યું. હવે થયેલું પુર્નમુદ્રણ મૂળ પુસ્તકની નકલ પરથી યથાતથ રૂપે મુદ્રિત થયું છે એટલે મૂળનાં ભાષા-જોડણી, ગોઠવણી વગેરેમાં તલભાર પણ ફેર થયો નથી. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનું માતબર અનુદાન આ પ્રકાશન માટે મળ્યું હોવાથી પાકા પુંઠાના બે ભાગ છે. " |