મુક્તિબંધન એક એવા પરિવારની આસપાસ ગૂંથાઈ છે જેનું કેન્દ્ર એક ઉદ્યોગપતિ છે. આપબળે ઝડપભેર આગળ વધીને દેશના ટોચના ઉધોગપતિ બનવા મથતા ઈશ્વરલાલ મોતીલાલ વીરાણી (આઈ.એમ. વીરાણી ) એક એવું જાજરમાન પાત્ર છે જે તેમની આસપાસના પાત્રોને પોતાના પ્રભાવ અને વર્ચસ્વથી દાબમાં રાખે.અઠ્ઠાવન વર્ષનો કોઈ પુરુષ નાયકપદે હોય એ આ નવલકથાની વિશિષ્ટતા છે. અને તેને કારણે બીજા પાત્રો નાયકની ઉંચાઈ સુધી પહોંચી શકતા નથી.એ મુક્તિબંધનની મર્યાદા પણ છે. સામાન્ય રીતે યુવાન પાત્રો જ કથાના કેન્દ્રમાં હોય છે પરંતુ આ નવલકથામાં નાયક બનવાની ક્ષમતા ધરાવતા વૈભવ વીરાણી જેવું પાત્ર પૂર્ણપણે વિકાસ પામ્યા વગર અધવચ્ચે જ અલવિદા કરી ગયું એથી ઘણા ખરા વાચકોને વસ્મો આઘાત પણ અનુભવશે.પ્રથમના ચમત્કારિક આગમનમાં ઘણાને લેખકની અંધશ્રદ્ધા દેખાઈ છે. પરંતુ જન્મીને મૃત્યુ પામેલા જાહેર થઈને જીવી ગયા હોય એવા કિસ્સા અપવાદ રૂપે બન્યા છે.