Crossroad
Crossroad By Varsha Adalja ક્રોસરોડ વર્ષા અડલજા વર્ષા અડાલજા. વર્તમાન ગુજરાતી સાહિત્યજગતનું બહુ મોટું નામ. એમની લેટેસ્ટ નવલકથા ‘ક્રોસરોડ’ વાંચવાનું શરૂ કર્યું ત્યારે અપેક્ષાઓ ઊંચી હતી અને સદ્ભાગ્યે તમામ અપેક્ષાઓ સંતોષાઈ. ૫૬૦ પાનાના ફલકમાં ફેલાયેલી આ ગાથા છે સ્વતંત્રતા પહેલાના ગ્રામ્યભારતની. અબૂધ ગામલોક અને એમના બંધિયાર સમાજમાં આકાર લેતી વાર્તા સબળ પાત્રોથી ભરપૂર. અમીર-ગરીબ વચ્ચેનો ભેદભાવ, ઊંચી-નીચી જાતિ વચ્ચેની આભડછેટ, પુરુષ-સ્ત્રી વચ્ચેનો અધિકાર-જંગ... બધું જ બહુ અસરકારક રીત્રે આલેખાયું છે. બાળવિવાહ, વિધવાઓનો સામાજિક બહિષ્કાર, ચૂલાચૌકામાં ગોંધાઈને રહેતો મહિલાવર્ગ... વર્ષાબહેન ખુદ એક મહિલા હોવાથી સ્ત્રીમાનસનું ચિત્રણ તેઓ અત્યંત ઇફેક્ટિવલી કરી શક્યા છે. ‘અબળા દુખીયારી નારી’નો વિષય એટલો બધો કઠે છે મને કે આવું કંઈ સાહિત્ય આવે કે તરત વાંચવાનું પડતું મૂકું. ‘ક્રોસરોડ’માં પણ સ્ત્રીઓ દુઃખી થાય છે, વારંવાર થાય છે, છતાં આ પુસ્તક પડતું મૂકવાનું મન નથી થતું એનું કારણ છે લેખિકાએ સર્જેલો રસપ્રદ વાર્તાપ્રવાહ. સતત ઘટતા રહેતા નાટ્યાત્મક પ્રસંગો, ‘વાહ’ બોલાવી દે એવા સંવાદો અને ખાસ તો, ‘ગંભીર’ હોવા છતાં ક્યાંય ‘બોઝિલ’ ન બનતી કહાની, એ આ મહાનવલના જમાપાસાં. ૧૯૨૦ના દાયકામાં શરૂ થતી વાર્તા છેક ૧૯૭૦ સુધી લંબાય છે એટલે ત્રણ-ત્રણ પેઢીઓ અહીં જન્મે, ઉગે ને વિકસે છે. આઝાદી અગાઉનું અભાવભર્યું જીવન, આઝાદી સમયનો ઉત્સાહ અને આઝાદી પછી સ્વકેન્દ્રી થતી ગયેલી સમાજવ્યવસ્થાનું લેખિકાએ આબેહૂબ વર્ણન કર્યું છે. પાત્રોની માનસિકતા અને ગ્રોથ હોય કે દંગ કરી દેતા પ્રસંગોની હારમાળા, લેખિકા ક્યાંય કાચા નથી પડ્યા. વાસંતીના ગર્ભપાતનું દૃશ્ય, દરિયાઈ તોફાનમાં સાગરપેટાળમાં સમાઈ જતો ગોવિંદ, વિષ્ણુના મૃત્યુ પહેલાનો ચિત્તભ્રમ, નવજાત દીકરીને દૂધપીતી કરી દેવાનું સીન... રુંવાટા ખડા કરી દે એવા અનેક-અનેક દૃશ્યોની ભરમાર છે ‘ક્રોસરોડ’માં... નવલકથાને તાજેતરમાં મળેલો ‘દર્શક’ એવોર્ડ યથાયોગ્ય જ છે. |