Jitesh Donga
જીતેશ દોંગા (પિતા: કાળુભાઈ દોંગા. માતા: હંસાબેન દોંગા) નો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૯૧ના રોજ અમરેલી (ગુજરાત)ના નાનકડા ગામ સરંભડામાં ખેડૂત પરિવારમાં થયો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું. દસ ધોરણ પછી રાજકોટમાં સાયન્સ કર્યું, અને ચાંગા (આણંદ) થી પોતાનું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. એન્જિનિયરિંગમાં જ તેણે પોતાની પહેલી નવલકથા વિશ્વમાનવ લખવાની શરુ કરેલી. જે અઢી વર્ષ સુધી લખાતી રહી. એન્જિનિયરિંગ પૂર્ણ કરીને નોકરી સાથે રોજ રાત્રે તેણે વિશ્વમાનવ લખવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે જીતેશની પહેલી નવલકથા વિશ્વમાનવ પ્રકાશિત થઇ. વિશ્વમાનવ થોડા જ સમયમાં લોકચાહના પામ્યા બાદ ૨૦૧૭માં બીજી નવલકથા નોર્થપોલ પ્રકાશિત થઇ, જે ગુજરાતી સાહિત્યમાં નવો જ વમળ પેદા કરવામાં સફળ રહી. ખાસ કરીને યુવાન ગુજરાતી વાચકોને ગુજરાતી નવલકથાઓ વાચતા કરવામાં સફળ રહી. વાચન, લેખન, ખેતી, એકલા પ્રવાસ, સિનેમા, અને મ્યુઝીક જીતેશનું જીવન છે. તે હંમેશા વાર્તાઓ લખીને જ જીવવા માગે છે.