Sadhara Jesangno Salo part 1-2
Sadhara Jesangno Salo part 1-2 - Gujarati book novel by Chunilal Madiya સધર જેસંગનો સાલો ભાગ ૧ થી ૨ - લેખક : ચુનીલાલ મડિયા અચૂક વાંચવા જેવી આ કોમિક નવલકથા ગરમીમાં ઠંડક પહોંચાડે એવી દિલચસ્પ છે. સ્વ. ચુનીલાલ મડિયા આમ તો ઉત્તમ સાહિત્યિક લેખક ગણાય, પણ અહીં તો તારક મહેતાની અદામાં એ ખીલેલા. દાયકાઓ પહેલા આપણા રાજકારણ પરના કટાક્ષ તરીકે લખાયેલી આ નવલકથા પરથી તો આજે ય એક મસ્તમજાની યસ મિનિસ્ટર કે કક્કાજી કહીન જેવી સિરિયલ બની શકે એમ છે. આજકાલ સોશ્યલ મિડિયામાં દર બીજો માણસ ખુદને એડિટર કે પોલિટિકલ એક્સપર્ટ સમજવા લાગે છે, ત્યારે આપણા અસલી રાજકારણના આટાપાટા અહીં આબાદ હળવી શૈલીમાં લખાયા છે. શાકબકાલુ વેંચતા સધરા જેસંગ (સિદ્ધરાજ જયસિંહનું અપભ્રંશ)ને માલેતુજાર શેઠ સામે જમાનાના ખાધેલ સેવકરામ કઠપૂતળી તરીકે ચૂંટણી લડાવે છે. અને એમાં સર્જાય છે, હાથમાં લીધા પછી પડતી ન મૂકી શકો એવી હસાવતા હસાવતા ગ્રેટ ઈન્ડિયન પોલિટિકલ સર્કસ સમજાવતી આ કહાની. પરદેશી યુવતી ફ્લોરા, સધરાનો સેટિંગબાજ સાળો ભડક, સાહિત્યના ચાંપલા ચાહક કવિ પ્રેમપિપાસુ, ભડકનો દત્તક ઓઘડ જેવા રસપ્રચૂર પાત્રો, ડિમડિમ અને સિંહગર્જના જેવા અખબારો અને સત્તાની સાઠમારી. વાંચશો તો ખ્યાલ આવશે કે સ્માર્ટફોનના યુગમાં માત્ર પાત્રો ને ટેકનોલોજી બદલાઇ છે રાજકારણ તો એનું એ જ રહ્યું છે (૧૯૬૨) ચીલાચાલુ નવલકથાથી અલગ પ્રયાસરૂપે લખાયેલી ચુનીલાલ મડિયાની હાસ્યરસિક નવલકથા. ગુજરાતી ભાષામાં 'ભદ્રંભદ્ર' અને 'અમે બધાં' જેવી મહત્ત્વની રચનાઓ પછીની આ સળંગ હાસ્ય નિરૂપતી સુદીર્ઘ કથા ગણનાપાત્ર છે. સામાન્ય કાછિયા સધરા જેસંગને સેવકરામ ચૂંટણીમાં ખેંચે છે અને સધરો પોતાના સાળા ભડક અને સેવકરામ મારફતે ચૂંટણીમાં જીતી મુખ્યપ્રધાન બને છે. પરંતુ સાળો ભડક સધરાને છેવટ સુધી નચાવ્યે રાખે છે અને અંતે પોતે વિરોધપક્ષમાં ભળી જાય છે. આ કથાવિષયને નિરૂપવા જતાં નવલકથાકારે અતિરંજિત ચિત્રણો, અતિશયોક્તિઓ, વ્યંગ અને વિલક્ષણ પાત્રો તેમ જ ઘટનાઓનો આશ્રય લીધો છે. મતલબીપણાથી અને ડરપોકપણાથી હીનસત્ત્વ એવા પાત્રની આસપાસ રાજકારણ અને લોકશાહીનાં દૂષણોથી ઠેકડી કરવા સાથે લેખક વર્તમાન સમાજ, સાહિત્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે વિવિધ લોકક્ષેત્રોમાં ઘૂમી વળે છે. આ માટે લેખકે પ્રયોજેલાં ભાષાના વિવિધ વર્ગના વિવિધ સ્તરો તથા નવાં અર્થઘટનો, નવી સાદ્દશ્યરચનાઓ ને શબ્દવિશ્લેષો નોંધપાત્ર છે. એકંદરે લેખકે અંગત પૂર્વગ્રાહોથી મુક્ત રહી સળંગ હાસ્યની સફળ નવલકથા આપી છે. |