Choras Tipu
Choras Tipu in Gujarati By Dhirubhai Patel | રમતિયાળ ડહાપણની વાતો | Gujarati stories(ચોરસ ટાપુ લેખક ધીરુબહેન પટેલ)સામાજિક સભ્યતા અને સમજદારીની દુનિયામાંથી કોઈ કોઈ વાર થોડા સમય માટે છટકીને બહારની ખુલ્લી હવા લેવાનું આપણા આંતરિક સ્વાસ્થ્ય માટે બેહદ જરૂરી થઈ પડે છે. ક્યારેક એવું બને કે માણસ પોતાના જ ડહાપણથી કંટાળે, એની એ ઘરેડમાં ફસાઈ રહેવું બહુ અકારું લાગે ત્યારે એ પોતાની નજર તો ક્ષિતિજ ભણી દોડાવે, પોતે દોડે કે નહીં, પહોંચે કે નહીં એ જુદી વાત છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. માણસ જીવતું હોય ત્યાં લગી તો શક્યતા ખરી. પછી દુનિયા એના વિચારોને વાહિયાત ગણે કે એની ક્રિયાઓને મૂર્ખતાભરી માને એવું બની શકે. પણ એ સુભગ પળો એવી હોય છે કે કોઈનાં પ્રમાણપત્રો મેળવવાનું પ્રલોભન રહેતું નથી. બસ, મનમાં એક તરંગ જાગે અને નવા જ આનંદની લહેરો લેતો આવે. ચાલો ને, ચોરસ ટીપાની જ વાત કરીએ ટીપું ઊર્ધ્વમાંથી આવે છે, નિમ્નમાં ઠરે છે અને હંમેશાં વર્તુલાકારમાં જ હોય છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ મનમાં વિચાર આવે કે આ ટીપાએ શા માટે એક જ આકારમાં બંધાઈ રહેવું જોઈએ? ત્યારે એને બંધનમુક્ત કરવાનું મન ન થાય? એ અને એવી બીજી અનેક શક્યતાઓનો સરવાળો એટલે આ પુસ્તક – મને લખવાની મજા આવી. તમનેય કદાચ વાંચવાની મજા આવી શકે - ચાલો, જોઈએ. -ધીરુબહેન પટેલ |