Dark Energy In Gujarati
Dark Energy In Gujarati By Ashwin Trivedi. | ડાર્ક એનર્જી લેખક અશ્વિન ત્રિવેદી. | Gujarati science fiction novel.રહસ્યમય ખોજની એક રોમાંચક કથા.મે માસની કાળી બપોરે બફારા અને તડકા વચ્ચે અચાનક શહેર પર કાળાં વાદળો છવાઈ ગયાં. આકરા તડકાથી ભરેલું ચોખ્ખું ચટ્ટાક વાદળી આકાશ જોતજોતાંમાં કાળાં વાદળોથી ઘેરાઈ ગયું. સૂર્યપ્રકાશની છાતી પર જાણે કે ગાઢ વરસાદ ગોરંભાયો! વાતાવરણમાં ગરમીના બદલે શીતળ હવા આવી અને લોકો આ કમોસમી પણ પરાણે ગમે એવાં વાદળો તરફ અપેક્ષાથી જોઈ રહ્યાં... પણ ન વીજળીનો ચમકાર થયો, કે ન તો વાદળનો ગડગડાટ થયો કે ન તો પાણીનું એક ટીપું પણ ધરતી પર પડ્યું... તો પછી આ શું થયું? આ ઘટના પર આખું શહેર ચર્ચાએ ચડ્યું પણ એક વ્યક્તિ કે જેના પેટનું પાણી હલ્યું નહોતું એ વ્યક્તિ હતા પ્રોફેસર મધુકર. આ ઘટનાની મધુકરને અને તેના વિદ્યાર્થી અવધૂતને જરાય નવાઈ નહોતી કારણ કે આ ઘટના બની એના માટેનું નિમિત્ત જ આ બંને વ્યક્તિ હતાં. આ વાદળો કુદરતની બક્ષિસ નહીં પણ માનવસર્જિત હતાં. પોતાનો પ્રયોગ સફળ થયો એનો આનંદ પ્રોફેસર મધુકર અને અવધૂતના ચહેરા પર દેખાતો હતો... શ્રી અશ્વિન ત્રિવેદીની આ નવલકથા ‘DARK ઍનર્જી’ની શરૂઆતના ઘટનાક્રમનો ટૂંકસાર અહીં રજૂ કર્યો છે. ‘DARK ઍનર્જી’ની કથા વિશે હું અહીં ડિટેઈલમાં વાત નથી કરી રહ્યો કારણ કે એનાથી વાચકનો રસભંગ થશે. હા, પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે આ પુસ્તકમાં એવી ત્રણ શોધની વાત કરી છે જે માની ન શકાય એવી રસપ્રદ છે. અહીં સર્જકે જે DARK ઍનર્જીર્ની વાત કરી છે એ સાયન્સપ્રેમી વાચકો માટે થ્રીલ જેવી છે. અમુક જગ્યાએ તો હોલિવુડની ફિલ્મ જોતા હોવાની લાગણી થઈ આવે છે. અશ્વિન ત્રિવેદીની આ નવલકથા એવા લોકો માટે તો ખાસ છે જેમને સાયન્સમાં રસ નથી, અઘરા દેખાતા સાયન્સને અહીં સરળતાથી કથા સાથે વણીને લેખકે વાચકો માટે રોમાંચક જાદુ કર્યો છે. વાચકો આ કથાના પાત્રો પ્રોફેસર મધુકર, અવધૂત, રચના, કૂપર અને જ્યોર્જ સાથે રીતસરના જોડાઈ જશે. કદાચ આ નવલકથા સર્જકની અન્ય કૃતિઓ તરફ વાચકને દોરી જવાનું નિમિત્ત બને તો પણ મને નવાઈ નહીં લાગે. |